ઉનાળા લાગે છે
unaalo laage chhe
શલ્ય મશહદી
Shalya Mashahadi
શલ્ય મશહદી
Shalya Mashahadi
છલકાય છે આંસુ આંખોથી હૈયામાં જ્વાળા લાગે છે;
વર્ષોની શીતળતામાં જાણે ધગધગતા ઉનાળા લાગે છે.
ચાલું છું ભલે ને કાંટા પર માણું છું મજા હું ફૂલોની;
જો પ્રેમ હો સાચો દિલમાં તો વિઘ્નોય સુંવાળા લાગે છે.
દુનિયા તો ઝાલિમ સમજે છે દિલ એને કૃપાઓ માને છે;
દોષિત એ હશે માન્યું કિન્તુ! નિર્દોષ રૂપાળા લાગે છે.
દુ:ખ-દર્દના કપરા દહાડાઓ ગુજરે તો ગુજરે શી રીતે?
આ વિરહ મિલનની ઘડીઓના કંઈ લાંબા ગાળા લાગે છે.
આ મનહર મનહર તારલિયા નભમંડળમાં છે વેરવિખેર;
કો' સ્વર્ગ-પરીની ગ્રીવાથી ટુટેલી માળા લાગે છે.
હું જ્યારે દુઃખી થઈ જાઉં છું એ શલ્ય મને બહેલાવે છે;
ઉર-આશ અવિરત જીવનમાં કિલ્લોલતી બાળા લાગે છે.
સ્રોત
- પુસ્તક : કાસિદ : માર્ચ, 1961 (પૃષ્ઠ ક્રમાંક 6)
- સંપાદક : મલિક તથા હમદર્દ
- પ્રકાશક : મુસ્લીમ નવજવાન સહાયક મંડળ, ભાવનગર
