tun na mane kahyun, tun na warte samay - Ghazals | RekhtaGujarati

તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!

tun na mane kahyun, tun na warte samay

ગની દહીંવાલા ગની દહીંવાલા
તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!
ગની દહીંવાલા

તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!

છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!

જોતાજોતામાં થઈ જાય તારું દહન, વાતવાતોમાં થઈ જાય અશ્રુ-વહન,

દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!

કોઈ દુખિયાનું દુઃખ જોઈ ડૂબી જવું, હોય સૌન્દર્ય સામે તો ક્હેવું જ શું!

અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!

એ ખરું છે, કે દુઃખ મુજથી સે’વાય ના, એ ય સાચું તને કાંઈ કે’વાય ના,

હાર એને ગણું કે ગણું હું વિજય? લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!

આભ ધરતીને આવી ભલે ને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે!

તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!

મારે પડખે રહી કોઈ નો દમ ન ભર, સાવ બાળક ન બન, ઉદ્ધતાઈ ન કર!

બીક સંજોગની છે, બૂરો છે સમય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!

એક વાતાવરણ સરજીએ હર પળે, આ જગતની સભા કાન દઈ સાંભળે,

હું કવિતા બનું, તું બની જા વિષય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!

એક સોનેરી અપરાધની તું સજા, પાત્રમાં દુઃખના જાણે ભરી છે મઝા,

જખ્મ રંગીન છે, દર્દ આનંદમય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!

પારકી આગમાં જઈને હોમાય છે, તારે કારણ ‘ગની’ પણ વગોવાય છે,

લોકચર્ચાનો એ થઈ પડયો છે વિષય, લાગણીવશ હૃદય! લાગણીવશ હૃદય!

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં સંપુટ – 3 – ગની દહીંવાળાનાં ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : જયંત પાઠક
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1981