રસ્તો
rasto
અંકિત ત્રિવેદી
Ankit Trivedi

ચાલતાં ચાલતાં રસ્તો પૂછે છે-
બૉસ, આજ પગલાં કેમ પડતાં નથી,
બરાબર?
હવામાં લાગો છો!
તમે જ કહેતાં હતાં કે
180ની સ્પીડે દોડતાં પૈડાં
તારા બરડા પર સોળ પાડે જાય છે
તેની તમને કૈં વેદના થાતી નથી?
અને મેં જવાબ આપેલો:
એ વેદના છૂટાછવાયાં વૃક્ષ થઈ
ઊગે છે મારી આસપાસ.
તમે તો દરરોજ સાંજે
વૉક પર નીકળતા’તા
આજે આમ સવારમાં?
ગઈકાલે ઊંઘ વહેલી આવી ગઈ છે
કે આજે ઊંઘ વહેલા ઊડી ગઈ છે.
બૉસ, બોલો,
કૈંક તો બોલો, પગલાં કેમ પડતાં નથી
બરાબર?
રસ્તાને હું કેમ કરીને સમજાવું
વૉક પર નીકળ્યો નથી અત્યારમાં હું
નીકળ્યો છું કો’ક બીજાના ખભા ઉપર.
મારા બેઉ પગ હવામાં છે
અને હું તેને
ઓળંગી ગયો છું...



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ