tun dag bharvaanii hinmat kar, utartaa dhaal jevo chhun - Ghazals | RekhtaGujarati

તું ડગ ભરવાની હિંમત કર, ઊતરતા ઢાળ જેવો છું

tun dag bharvaanii hinmat kar, utartaa dhaal jevo chhun

ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી
તું ડગ ભરવાની હિંમત કર, ઊતરતા ઢાળ જેવો છું
ખલીલ ધનતેજવી

તું ડગ ભરવાની હિંમત કર, ઊતરતા ઢાળ જેવો છું,

મનાવી લે મને, હું સાવ નાના બાળ જેવો છું.

દરિયાની ગહનતા માપવાનું સાવ છોડી દે,

તું મારામાં ઊતર, હું સાતમા પાતાળ જેવો છું.

મને માણી જો પારાવાર શીતળતાના સંદર્ભે,

હું કડવો છું પરંતુ લીમડાની ડાળ જેવો છું.

તમારા આરા-ઓવારા બધા છે મારી મુઠ્ઠીમાં,

સરોવર છો તમે તો હું સરોવરપાળ જેવો છું.

હવે ભાષાભવનના સૌ કુબેરોને કહી દેજો,

તમે છો શબ્દભંડારી તો હું ટંકશાળ જેવો છું.

સ્રોત

  • પુસ્તક : સાદગી (પૃષ્ઠ ક્રમાંક 32)
  • સર્જક : ખલીલ ધનતેજવી
  • પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2000