Tu Nathi, To Chhe Smaran Na Kaflani Aav-Jaa - Ghazals | RekhtaGujarati

તું નથી, તો છે સ્મરણના કાફલાની આવ-જા

Tu Nathi, To Chhe Smaran Na Kaflani Aav-Jaa

ચિંતન પરીખ ચિંતન પરીખ
તું નથી, તો છે સ્મરણના કાફલાની આવ-જા
ચિંતન પરીખ

તું નથી, તો છે સ્મરણના કાફલાની આવ-જા

ચંદ્ર તો જડતો નથી, પણ તારલાની આવ-જા

હોય છે મેડી ઉપર, અજવાસ ફાનસનો, અને

ઓઢણીની ભાત છોડી, આભલાંની આવ-જા

આગળા ઉન્માદના તો વાસવા મુશ્કેલ છે

પાંપણોને બારણે છે, સોણલાંની આવ-જા

હાથમાં ગોફણ લઈને, બાગમાં કોઈ ફરે

બોરસલ્લી પર, હજી છે મોરલાની આવ-જા

રાતભર અવઢવ બની ચાલ્યા કરે છે ભીંત પર

એક, વરસોથી મુલતવી, ફેંસલાની આવ-જા

નામની યાદી લખાવું તો ઘણી લાંબી બને

છે ધબકતી દાબડીમાં, કેટલાંની આવ-જા

માનવા લાગે કરચલો, કારણભૂત છે

રેતમાં તો ઓટથી છે, શંખલાંની આવ-જા

છે પરસ્પર લાગણી, સંબંધ પણ છે માપસર

ત્રાજવાં સમતોલ કરવા, કાટલાંની આવ-જા

ક્યાંક ખાલી છે મશક, અથવા તરસ ખોટી હશે

ઝાંઝવાંનાં ગામમાં છે, માટલાંની આવ-જા

ડૂબવા હું નીકળ્યો, તારી નિરવતામાં, અને

ગર્ભદ્વારે, શબ્દ કોઈ, ખોખલાની આવ-જા

તું કહે છે, બે ઘડીનો સંગ છે, જિંદગી

આખરે છે દોસ્ત, મ્હારી એકલાની આવ-જા

સાર, લખ ચોર્યાશી ભવનો, આજ સમજાયો મને

મૂર્તિ ત્યાં ને ત્યાં છે, બસ ગોખલાની આવ-જા

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ