તોરલદે
toralde
જુગલ દરજી
Jugal Darji

છે ફરી લોહીઝાણ, તોરલદે,
આયખું ને ગમાણ તોરલદે.
નોખું છે બસ દબાણ તોરલદે,
એનું એ છે વહાણ તોરલદે.
કામ ના આવી સાબદાઈ કોઈ,
કંઠ લગ આવ્યા પ્રાણ તોરલદે.
સત્ય ઊભાં છે ગૂઢઘેરાં થઈ,
કપરી છે ઓળખાણ તોરલદે.
ધાર છોડીને તાર ઝાલ્યો ત્યાં,
હાથે ઉપસ્યા લખાણ તોરલદે.
દવ છે દરિયે ને માંહ્ય તો ટાઢક,
લૂંટવી છે આ લ્હાણ તોરલદે.
છે પ્રગટ ને અલોપ પણ એનાં,
શેં શેં દેવા પ્રમાણ તોરલદે!
ક્યાંક ભાળી ઉજાસ આછેરો,
પગને ફૂટ્યાં પ્રયાણ તોરલદે.



સ્રોત
- પુસ્તક : પહેરણ (પૃષ્ઠ ક્રમાંક 46)
- સર્જક : જુગલ દરજી
- પ્રકાશક : ઝેકાર્ડ પબ્લિકેશન
- વર્ષ : 2023