to kaheway nahin - Ghazals | RekhtaGujarati

તો કહેવાય નહીં

to kaheway nahin

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
તો કહેવાય નહીં
અમૃત ઘાયલ

મન મરણ પહેલાં મરી જાય તો કહેવાય નહીં,

વેદના કામ કરી જાય તો કહેવાય નહીં.

બુદ્ધિ સંકટથી ડરી જાય તો કહેવાય નહીં,

પ્રેમપંથેથી તરી જાય તો કહેવાય નહીં.

આંખથી અશ્રુ ખરી જાય તો કહેવાય નહીં,

ધૈર્ય પર પાણી ફરી જાય તો કહેવાય નહીં.

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી,

દિલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહીં.

આંખડી ભોળી, વદન ભોળું, અદાઓ ભોળી,

પ્રાણ રૂપ હરી જાય તો કહેવાય નહીં.

ચાંદની રાત, ભર્યા જામ, સૂરીલાં ગીતો,

આજ મારો દી ફરી જાય તો કહેવાય નહીં.

કંઈ મજા મીઠી તડપવામાં મળે છે એને,

દિલ વ્યથા વેરે વરી જાય તો કહેવાય નહીં.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય – કોડિયાં સંપુટ - 3 (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સંપાદક : જયન્ત પાઠક
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1981