તીરથી તેજ કર પ્રહાર મને
tiirthii tej kar prahaar mane
હરજીવન દાફડા
Harjivan Dafda
હરજીવન દાફડા
Harjivan Dafda
તીરથી તેજ કર પ્રહાર મને,
ઘેનથી અબઘડી ઉગાર મને.
એક અદનું હું તારું સર્જન છું,
સાવ નિર્મમપણે મઠાર મને.
વિશ્વને પ્રેમનું પટોળું કર,
ને એની રમ્ય કર કિનાર મને.
ઓપ આપી રહ્યો છું લેખણથી,
અન્ય શું આવડે નિખાર મને.
બે'ક નિઃશ્વાસ કોઈના ઝીલું,
એમ પૃથ્વી ઉપર પથાર મને.
લે, મરી જાઉં હું મર્યા પહેલાં,
દાસી જીવણની દે કટાર મને.
સ્રોત
- પુસ્તક : સહેજ પોતાની તરફ (પૃષ્ઠ ક્રમાંક 6)
- સર્જક : હરજીવન દાફડા
- પ્રકાશક : ઝેકાર્ડ પબ્લિકશન
- વર્ષ : 2024
