Tharthartu Laine Khalipanu Betha Tapane - Ghazals | RekhtaGujarati

થરથરતું લઈને ખાલીપણું બેઠાં તાપણે

Tharthartu Laine Khalipanu Betha Tapane

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
થરથરતું લઈને ખાલીપણું બેઠાં તાપણે
મનોજ ખંડેરિયા

થરથરતું લઈને ખાલીપણું બેઠાં તાપણે

થીજી ગયેલ યુગના પ્રતિનિધિ આપણે

દૃશ્યો નિહાળવામાં બને અંતરાયરૂપ

વળગ્યો છે ભૂતકાળનો જે ભાર પાંપણે

આંખો છે લીલીકાચ ને જે જોઉં તે લીલું

એવો તો ડંખ કારમો માર્યો છે સાપણે

મારી ત્વચાઓ જાણે ઉતરડી લીધી સળંગ

છીનવી લીધાં છે વિસ્મયો દુનિયાના ડ્હાપણે

પોતીકી વાતનો સૂરજ ઝળહળી શકે

અંધાર દૂર થાય બીજાની થાપણે

સપના અને ઉદાસીના અડતા મકાનની

મજમું દીવાલ જેવા ઊભા દોસ્ત, આ૫ણે.

સ્રોત

  • પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ