Tarat Hu Paami Gayo Tara Heer ni Olakh - Ghazals | RekhtaGujarati

તરત હું પામી ગયો તારા હીરની ઓળખ

Tarat Hu Paami Gayo Tara Heer ni Olakh

શકીલ કાદરી શકીલ કાદરી
તરત હું પામી ગયો તારા હીરની ઓળખ
શકીલ કાદરી

તરત હું પામી ગયો તારા હીરની ઓળખ.

ખુદા મેં લુપ્ત કરી જ્યાં શરીરની ઓળખ.

સતત શરીરમાં ચાલે છે કરઘામાં,

મળી ગઈ મને મારા કબીરની ઓળખ.

સુગંધ વાણીમાં વર્તનમાં નૂર ચળકે છે,

ફકીરથી મળે છે ફકીરની ઓળખ.

દઈને માન પરાજિતને એક વિજેતાએ,

કરાવી વિશ્વને એક યુદ્ધવીરની ઓળખ.

છે વ્યર્થ વાયુ ને આકાશ પૃથ્વી, જળ, અગ્નિ,

હુકમ ખુદાનો છે સૌના ખમીરની ઓળખ.

સમયથી પહેલાં ઊડી જાય ક્યાંક શક્ય નથી

અલગ છે દેહની ભીતરના કીરની ઓળખ.

ફૂલ-કાંટાને સ્પર્શે છે ભેદભાવ વિના,

સમાનભાવ છે શીતળ સમીરની ઓળખ.

કોઈ જો ડગમગે ઝાલે છે હાથ આવીને,

જમાનો એને ગણે દસ્તગીરની ઓળખ.

'શકીલ' મળજો કદી એને, નામ છે ગાલિબ,

કરાવી દેશે તમને મીરની ઓળખ.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ