tarabtar taraj - Ghazals | RekhtaGujarati

ભાંગતી રાતની તરબતર છે તરજ.

નાભિની ખરલ પર ઘૂંટવી છે પરજ.

અંશ નાનો ભલે વંશ છું તેજનો,

આભ નીચે નમે હોય જેને ગરજ;

ગોમુખી, ટેરવાં, જાગરણ ને સ્મરણ,

રામને ચોપડે આપણી વણજ;

મૌનનાં વસ્ત્રને રંગવા સૂરથી,

કંઠથી ઊપજે છે કબીરી ખરજ;

નાદ કરતાલનો ઝૂલણા ઝૂલતો,

શબ્દમાં અવતરે એટલી છે અરજ;

ગહ્વરે પેસવું, ટોચ જઈ બેસવું,

દત્તના ડુંગરે સાંપડી છે સમજ;

ના વિમાસણ વળાંકો અને માર્ગની,

તું કહે ‘આવ’ ને શ્વાસ મૂકું સહજ.

સ્રોત

  • પુસ્તક : ભિન્ન ષડ્જ (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સર્જક : હરિશ્ચન્દ્ર જોશી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2007