
તારા જીવનથી કોઈનું જીવન બની જશે,
પારસમણિના સ્પર્શથી કંચન બની જશે.
જીવન હશે તો કોઈ દિ' જીવન બની જશે,
દિલમાં યકીન રાખ, યકીનન બની જશે.
કોને ખબર છે આવું આ ઉપવન બની જશે,
કાંટો તો ઠીક ફૂલ પણ દુશ્મન બની જશે.
ખાતર મહીં મળી જા, તું ખાતર જમા કરી,
કળીઓથી ફૂલ, ફૂલથી ઉપવન બની જશે.
માથા મૂકી દે, માલની ઇચ્છા જો હોય તો,
દીપકની જેમ જિન્દગી રોશન બની જશે.
તપ કરવા ચ્હાય છે, તો તપોવનની શી જરૂર,
બેસીશ કે સ્થળે એ તપોવન બની જશે.
અંતર પતિત છે, ભલે, તારી દયા થતાં,
આજે નહીં તો કાલ એ પાવન બની જશે.
રજભર વાતને તું નકામી ગણીશ મા,
રજરજથી ગજ ને ગજ, વધી જોજન જશે.
બાવન જટીલ જાળ છે, બાવનથી બા'ર જા,
બાવનથી બા'ર જાણે તો પાવન બની જશે.
આવ્યો છે ખાલી હાથ, જવાનો છે ખાલી હાથ,
ધનવાન ક્યાં હતો કે તું નિર્ધન બની જશે?
કાં આંચથી ડરે છે તું, સાચાને આંચ શી?
જો આગ પણ હશે તો એ ગુલશન બની જશે?
બોલે જો બોલ 'શયદા' વિચારીને બોલજે,
બોલેલ બોલ વ્રજના બંધન બની જશે.



સ્રોત
- પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 122)
- સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
- વર્ષ : 2024
- આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ