tapino kinaro sha mate? - Ghazals | RekhtaGujarati

તાપીનો કિનારો શા માટે?

tapino kinaro sha mate?

આસિમ રાંદેરી આસિમ રાંદેરી
તાપીનો કિનારો શા માટે?
આસિમ રાંદેરી

ફાની જગતને પૂછું છું, ના થાય સુધારો શા માટે?

છે નામનો જ્યારે નાશ, પછી નામનો ધારો શા માટે?

દિલ મારું દુભાવી પૂછો છો, ભેદને યારો શા માટે?

મેં કીધી નિછાવર ‘લીલા’ પર જીવનની બહારો શા માટે?

ભેદ હું દિલને પૂછું છું, ભેદ મને દિલ પૂછે છે,

કો' જાનનો દુશ્મન થઈને પણ છે પ્રાણથી પ્યારો શા માટે?

તોફાન, વમળ, મોજાં, તો જીવનની ખરેખર દુનિયા છે,

પ્રેમની નૌકાના નાવિક! શોધે છે કિનારો શા માટે?

તું મુજમાં છે, હું તુજમાં છું, આપસમાં નથી કૈં ભેદ પછી,

‘હું’ નો હુંકારો શા માટે, ‘તું' નો તુંકારો શા માટે?

હા મારી મોહબ્બત સાચી છે, હા યાદ બરાબર તારી છે,

પણ કોઈ વખત થઈ જાયે છે ડગમગતા વિચારો શા માટે?

દિલ! યાદમાં ગુમ થઈ જા એની, ઘડીઓની ગણતરી દે છોડી,

કે વિરહ સમય સૌ સરખા છે, તો સાંજ-સવારો શા માટે ?

જે રીતે જીવન જીવું છું હું, રીતે મરી પણ જાણું છું,

જીવનનો સહારો કોઈ નથી, મૃત્યુનો સહારો શા માટે?

‘આસિમ’ હકીકત છાની છે, જાણીને તમે શું કરવાના?

હું મારી ગઝલમાં લાવું છું તાપીનો કિનારો શા માટે ?

સ્રોત

  • પુસ્તક : ‘આસીમ’ રાંદેરીની ચૂંટેલી ગઝલો ‘લીલાયન’ (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : હરજીવન દાફડા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2022