તમે કોડી ફેંકો તો ફેંકાય દરિયો
tame kodii fenko to fenkaay dariyo
મનોજ ખંડેરિયા
Manoj Khanderia
મનોજ ખંડેરિયા
Manoj Khanderia
તમે કોડી ફેંકો તો ફેંકાય દરિયો
અને બાંધો કૂબા તો બંધાય દરિયો
નગરનાં નગર એમાં ડૂબી ગયાં છે
મળે જોવા જો આછરી જાય દરિયો
કિનારાથી સંબંધ ઝાઝો ન એને
મૂકી ફીણ પાછો ફરી જાય દરિયો
તૂટીફૂટી હોડી તરે રેતીમાં પણ
કદી એને જો સાંભરી જાય દરિયો
હવે રહી ગયા માત્ર કાંઠે કરચલા
જુઓ ઓટમાં ઓસરી જાય દરિયો
સ્રોત
- પુસ્તક : એમ પણ બને (પૃષ્ઠ ક્રમાંક 6)
- સંપાદક : નીતિન વડગામા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2004
