pagla talavmaa - Ghazals | RekhtaGujarati

પગલાં તળાવમાં

pagla talavmaa

અશોક ચાવડા 'બેદિલ' અશોક ચાવડા 'બેદિલ'
પગલાં તળાવમાં
અશોક ચાવડા 'બેદિલ'

થીજી ગયું છે એય પણ તારા અભાવમાં;

લોહી હવે વ્હેતું નથી એકેય ઘાવમાં.

કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા :

ભૂલી ગયું છે કોણ પગલાં તળાવમાં?

બત્રીસ ગુણની લાગણીનો ભોગ દઈ દીધો,

છલકાયું ત્યારે નીર આંખોની વાવમાં.

મંદિર વચોવચ એક માણસની થઈ કતલ,

ઈશ્વર છતાં આવ્યો નહીં એના બચાવમાં.

‘બેદિલ’ અરીસો આટલું કહીને ફૂટી ગયો,

મારાપણાની છે ઊણપ મારા સ્વભાવમાં.

(૧૨-૧૦-૨૦૦૦)

સ્રોત

  • પુસ્તક : પગલાં તળાવમાં (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સર્જક : અશોક ચાવડા ‘બેદિલ’
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012