rasta wasantna - Ghazals | RekhtaGujarati

રસ્તા વસંતના

rasta wasantna

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
રસ્તા વસંતના
મનોજ ખંડેરિયા

ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના

ફૂલો બીજું કૈં નથી, પગલાં વસંતનાં

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લૈ

દોરી રહ્યું છે કોણ નકશા વસંતના

એક તારા અંગે અને બીજો ચમન મહીં

જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના

મ્હેકી રહી છે મંજરી એકેક આંસુમાં

મોર્યા છે આંખમાં આંબા વસંતના

ઊડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ

હૈયે થયા છે આજ તો છાંટા વસંતના

ફાંટું ભરીને સોનું સૂરજનું ભરો હવે

પાછળ ફરી આવશે તડકા વસંતના

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989