bolo - Ghazals | RekhtaGujarati

નામ લેતાં એનું અટકી જાય છે, બોલો.

એક પાગલને બધું સમજાય છે, બોલો.

ઈશ્વરે ગામ છોડ્યાને થયાં વરસો,

ત્યાં પૂજારીઓ હવે પૂજાય છે, બોલો.

આમ વરસોથી નથી ઊંઘ્યો હકીકત છે,

આમ સપના સમો દેખાય છે, બોલો.

કોઈ દરજી માપ લઈ શકતો નથી એનું,

સતત નાનો ને મોટો થાય છે, બોલો.

દર વખત લો, લક્ષ્ય પોતે તાળીઓ પાડે,

જેટલી પણ વાર વીંધાય છે, બોલો.

બધાથી સાવ નોખો ને અલગ તોપણ,

એકસરખો સર્વમાં વ્હેંચાય છે, બોલો.

સ્રોત

  • પુસ્તક : આભ દોર્યું તો સૂર્ય ઊગ્યો'તો (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સર્જક : હર્ષ બ્રહ્મભટ્ટ
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2015