suukaylii nadiimaan charan boltii bapor - Ghazals | RekhtaGujarati

સૂકાયલી નદીમાં ચરણ બોળતી બપોર

suukaylii nadiimaan charan boltii bapor

મનોજ ખંડેરિયા મનોજ ખંડેરિયા
સૂકાયલી નદીમાં ચરણ બોળતી બપોર
મનોજ ખંડેરિયા

સૂકાયલી નદીમાં ચરણ બોળતી બપોર

જંપી ગયેલ કાળનાં જળ ડો'ળતી બપોર

ગુલમ્હોરના સરોવરે નાહ્યા કરે નજર

પીળાં સ્મરણની પીઠી પછી ચોળતી બપોર

રેલી રહ્યાં છે કેટલાં મૃગજળ ક્ષિતિજ ઉપર

ખાલી ઘડાને હર પળે ત્યાં ઢોળતી બપોર

લીમડાની લીલી મ્હેકને પ્હેરી હવા ફરે

ત્યાં તો કૂંપળની જેમ કશી કૉળતી બપોર

પડછાયા વૃક્ષનાય હવે ઓગળી રહ્યા

સૂતેલી વેદનાઓને ઢંઢોળતી બપોર

સ્રોત

  • પુસ્તક : એમ પણ બને (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : નીતિન વડગામા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2004