suryna rasmanthi paheli dharni madira bani - Ghazals | RekhtaGujarati

સૂર્યના રસમાંથી પહેલી ધારની મદિરા બની

suryna rasmanthi paheli dharni madira bani

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
સૂર્યના રસમાંથી પહેલી ધારની મદિરા બની
હરીશ મીનાશ્રુ

સૂર્યના રસમાંથી પહેલી ધારની મદિરા બની,

એટલે બોટી ગઝલ, ગાલિબ, તેં અધીરા બની.

જીવતેજીવ આંખમાં મોતી મરૂથળનાં મઢ્યાં,

ને મરણમાં ઓગળી ચાલ્યાં અમે મીરાં બની.

નાગરી નાતે કદી માર્યું તે મ્હેણું ભાંગવા,

ભાંગતી રાતે ભમ્યા કરતાલ-મંજીરા બની.

ભૂંગળીમાં ભજન મૂકી વહાવી દે સ્વજન,

કાળને કાંઠે અમે બેઠાં સહજ ધીરા બની.

તું અખા ચિંતામણી છે શબ્દનો, નિશ્ચિંત રહે,

ક્ષણ ભલે સરતી રહે, કંચન બની કથીરા બની.

જાત વણકરની ને એમાં સાંપડ્યું સતનું સૂતર,

શાળ પર અનહદનો અજમાવ્યો કસબ કબીરા બની.

તેજની મહેફિલમાં બંદા ક્યાંકથી આવી ચડચા,

મુરશિદે મ્હોંએ ચડાવેલા કોઈ નબીરા બની.

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999