rah warshani ane uklat pan ochho nathi - Ghazals | RekhtaGujarati

રાહ વર્ષાની અને ઉકળાટ પણ ઓછો નથી

rah warshani ane uklat pan ochho nathi

હેમેન શાહ હેમેન શાહ
રાહ વર્ષાની અને ઉકળાટ પણ ઓછો નથી
હેમેન શાહ

રાહ વર્ષાની અને ઉકળાટ પણ ઓછો નથી.

સૂર્ય એવો તો નથી મોંફાટ, પણ ઓછો નથી.

માણસોને સ્પષ્ટ પારખવા બહુ મુશ્કેલ છે,

સાવ નકલી રત્નનો ચળકાટ પણ ઓછો નથી.

બ્હારથી આનંદ-મંગળ લાગતી વસ્તીમાં

વ્યક્તિગત રીતે જુઓ, તલસાટ પણ ઓછો નથી.

શું કહો છો પક્ષીઓ સંખ્યામાં ઘટતાં જાય છે?

આખી દુનિયામાં કશે ફફડાટ પણ ઓછો નથી.

તારી અંગત વેદનામાં વિશ્વને કંઈ રસ નથી.

બંધ કર વાજિંત્ર, અહીં ઘોંઘાટ પણ ઓછો નથી.

સ્રોત

  • પુસ્તક : લાખ ટુકડા કાચના (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સર્જક : હેમેન શાહ
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 1998