marun gajun kyan chhe? - Ghazals | RekhtaGujarati

મારું ગજું ક્યાં છે?

marun gajun kyan chhe?

મેગી અસનાની મેગી અસનાની
મારું ગજું ક્યાં છે?
મેગી અસનાની

તિમિરને ઢોળવાનું તો હવે મારું ગજું ક્યાં છે?

સૂરજને ખોળવાનું તો હવે મારું ગજું ક્યાં છે?

કરી દો જે સજા કરવી હો બસ પ્રેમના નામે,

ભૂલો વાગોળવાનું તો હવે મારું ગજું ક્યાં છે?

જરા આવો અહીં તો જોઈ લઉં હું જાતને મારી,

મને ઢંઢોળવાનું તો હવે મારું ગજું ક્યાં છે?

ભલે થતી થવા દો આંખ ભીની હાલના ગમ પર,

ખુશીને ખોળવાનું તો હવે મારું ગજું ક્યાં છે?

દરિયો મન ભરીને જોવો છે તેથી અહીં આવી,

ચરણને બોળવાનું તો હવે મારું ગજું ક્યાં છે?

લઈને રાતની બસ એક પળ સપનું બનીને આવ,

હકીકત ડહોળવાનું તો હવે મારું ગજું ક્યાં છે...?

સ્રોત

  • પુસ્તક : જાત સાથે વાત (પૃષ્ઠ ક્રમાંક 104)
  • સર્જક : મેગી ઠાકોરદાસ અસનાની
  • પ્રકાશક : ફ્લેમિંગો પબ્લિકેશન્સ
  • વર્ષ : 2016