સૂરજના ધોરણે
surajna dhorane
ગની દહીંવાલા
Gani Dahiwala
પ્રસંગો વારતાનું રૂપ લૈ સંભારણે આવ્યા;
મહામૂલાં ઘણાં પાત્રો અકિંચન આંગણે આવ્યાં.
નજરને કોઈએ એવા રસે જાણે રસી દીધી;
રજેરજમાંથી અજવાળા સૂરજના ધોરણે આવ્યાં.
કદી સ્વપ્ને ય નો’તો ખ્યાલ કે જીવીશ હું સ્વપ્ને;
વિચારું છું મને આ ઓરતા કેવી ક્ષણે આવ્યા?
મુહબ્બત આ રસાયણનું જ બીજું નામ છે શાયદ!
હૃદયમાં જે ઉમળકાઓ, અહીં આવ્યા, પણે આવ્યા!
હવે મારા હૃદયની વાત જાણી જાય છે તેઓ;
હતા જે આકૃતિના ભાવ, સીધા દર્પણે આવ્યા!
નજર થાકી, તો એ નિસ્તેજ થૈ પથરાઈ ગઈ પથ પર;
હૃદય થાક્યું તો પરસેવાનાં બિન્દુ પાંપણે આવ્યાં.
‘ગની’, બળતામાં ઘી હોમાયા જેવી વાત થઈ આ તો;
દુઃખી પોતે હતી, દુનિયા ને એમાં આપણે આવ્યા!
સ્રોત
- પુસ્તક : હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે (પૃષ્ઠ ક્રમાંક 206)
- સંપાદક : ભગવતીકુમાર શર્મા, રવીન્દ્ર પારેખ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2009