suno bhai sadho - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સુનો ભાઈ સાધો

suno bhai sadho

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
સુનો ભાઈ સાધો
હરીશ મીનાશ્રુ

ન’તાં નવદ્વીપ નવખંડા અહાહાહા અહોહોહો

ન'તાં પંડિત ન'તા પંડા અહાહાહા અહોહોહો

તમસપુંજો ઘુમરતા ગર્ભના નભમાં નિરાલંબે

ન'તા આશય ન'તા અંડા અહાહાહા અહોહોહો

હતો એક પુરુષ કે જેનો પડછાયો ન'તો પડતો

રચ્યાં તેથી સૂરજ-ચંદા અહાહાહા અહોહોહો

મરુથળ બીજ રોપ્યાં તે ઘડીભરમાં તો ઘનઘોરા

ઊગ્યાં મેરુ તણા દંડા અહાહાહા અહોહોહો

વળી, મનના ફૂંક્યા મંતર, લઈ પાણીના પરપોટા

ભભૂક્યાં કૈંક બ્રહ્મડાં અહાહાહા અહોહોહો

અલખપંખીનાં પીંછાંથી ફરિશ્તા ચીતરી બેઠા

અહો બારીક બંદા અહાહાહા અહોહોહો

અવળવાણીય સમજત પણ ઈશારતમાં તે શું સમજું

હતા મુરશિદ અવળચંડા અહાહાહા અહોહોહો

અહીં ઘર માંડતાં પ્હેલાં જડે ખંડેરના નકશા

ઘડી રમણી ઘડી રંડા અહાહાહા અહોહોહો

જડે જંઘા, પલંગામાં જડે સ્તન ને પુરુષાતન

પડે પેટાળે પડછંદા અહાહાહા અહોહોહો

તું ભડ છે તો કમળતંતુથી પ્હેલો ઘા કરી લેજે

ને ફોડી નાખજે ભંડા અહાહાહા અહોહોહો

પ્રજળતા સૂર્ય ઠારી બુંદ ઝાકળ તુર્યને બાઝ્યાં

પડ્યા શાગિર્દ પણ ઠંડા અહાહાહા અહોહોહો

શ્વસે તે નિજવ્યથા વચ્ચે વસે - સત્ય પર વસવા

વસાવી નગરી આણંદા અહાહાહા અહોહોહો

(ઇબાદતપૂર્વક ગઝલ અર્પણ સંતકવિ હુજુર મહારાજને - જેમના અંતર્ધાન થયાની શતાબ્દી ઊજવાઈ રહી છે વર્ષે -જેમના સાહિત્યમાં મેં રદીફ જોઈ: અહાહાહા અહોહોહો -કવિની નોંધ.)

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 432)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004