સ્પર્શના અહેસાસથી રંગુ તને
Sparshna Ehsas thi Rangu Tane
હનીફ સાહિલ
Hanif Sahil
હનીફ સાહિલ
Hanif Sahil
સ્પર્શના અહેસાસથી રંગુ તને
મહેકતા ઉચ્છવાસથી રંગુ તને
હુંય રંગાઈ ગયો ગુલમો'ર સમ
ને હવે મધુમાસથી રંગુ તને
આ બધાય રંગ તો ફટકી જશે
રક્તના અજવાસથી રંગુ તને
તું ગઝલના શે'ર થઈને આવે તો
પ્રાસ ને અનુપ્રાસથી રંગુ તને
ચૈત્રના દિવસોના છે સોગંદ તને
આવ ભીની પ્યાસથી રંગુ તને
આમ હેરતથી મને જોયા ન કર
રાખે તો વિશ્વાસથી રંગુ તને
મીણની માફક હું પીગળું છું હનીફ
આવ છેલ્લા શ્વાસથી રંગુ તને
સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ 1982 (પૃષ્ઠ ક્રમાંક 21)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
