અમારા તડપવાનું કારણ સ્મરણ છે
amara tadapvanu karan smaran chhe
પ્રમોદ અહિરે
Pramod Ahire

અમારા તડપવાનું કારણ સ્મરણ છે
અને રોજ મરવાનું કારણ સ્મરણ છે.
નથી આગ જેવું કશું જિંદગીમાં,
અમારા સળગવાનું કારણ સ્મરણ છે.
નદી હું સરજવા ગયો’તો; બન્યું રણ,
હવે ત્યાં ભટકવાનું કારણ સ્મરણ છે.
બધું સર્વસામાન્ય છે એ ગલીમાં,
છતાં ત્યાં અટકવાનું કારણ સ્મરણ છે.
ઘણાં રોજ ગઝલો લખે છે સ્મરણમાં,
ઘણાંનું ન લખવાનું કારણ સ્મરણ છે.



સ્રોત
- પુસ્તક : પ્રિયે! તું અહીંથી જવાની... (પૃષ્ઠ ક્રમાંક 25)
- સર્જક : પ્રમોદ અહિરે
- પ્રકાશક : સાહિત્ય સંકુલ
- વર્ષ : 2003