swarg - Ghazals | RekhtaGujarati

છે ગરમ ઊની હવા ચારે તરફ

ઝાંઝવાં છે ઝાંઝવા ચારે તરફે.

હું તને અવતારવા રાજી નથી

સ્વર્ગ ક્યાં બંધાવવાં ચારે તરફ?

છે વિકટ રણથી ઘણું ભવરણ, સખા

વીરડા ક્યાં ગાળવા ચારે તરફ?

લાગણીનું પાન લીલું રાખવા

આંસુ ક્યાં ઉઘરાવવાં ચારે તરફ?

છે દિશાનાં ભાન ક્યાં ઇર્શાદ ને?

વ્હાણ લાગ્યાં ચાલવાં, ચારે તરફ.

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012