shun nathi thayun! - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શું નથી થયું!

shun nathi thayun!

ગની દહીંવાલા ગની દહીંવાલા
શું નથી થયું!
ગની દહીંવાલા

પૂછો શું થયું, કહો શું નથી થયું!

દર્દ છે, હૃદયથી જે અળગું નથી થયું.

જખ્મો નથી મટ્યા ભલે, હું પણ નથી મટ્યો;

સઘળું થયું છે, આપને ગમતું નથી થયું.

અશ્રુના કારણે છે જીવન ધૂંધવાયેલું,

ઈંધણ ભીનાં છે એટલે બળતું નથી થયું.

બાગબાન! જો તો સહી ભરવસંતમાં,

એક પુષ્પ જે હજી સુધી હસતું નથી થયું.

દુનિયા છૂટી તો આપનો પાલવ મળી ગયો,

સઘળું ગુમાવતાં કશું ખોટું નથી થયું.

માઠાં નસીબને નથી માઠું લગાડવું,

સારાં નસીબ કે બધું સારું નથી થયું.

બુદ્ધિએ લાગણીને હજી ઓળખી નથી,

બાળક હજી સુધી તો સમજણું નથી થયું.

આવી રહો અમારી તમન્નાને આશરે,

તારકનું જૂથ અમાસમાં ઝંખું નથી થયું.

મારા સમી ઉદાસ દીસે છે વિરહની રાત,

શું મારી જેમ એનું યે ધાર્યું નથી થયું?

મૃગજળ છે, ખરેખરો સાગર નથી ‘ગની';

જીવનનું નીર એટલે ખારું નથી થયું.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં સંપુટ – 3 – ગની દહીંવાળાનાં ચૂંટેલા કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સંપાદક : જયંત પાઠક
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
  • વર્ષ : 1981