shun laun hun aa nadimanthi? - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શું લઉં હું આ નદીમાંથી?

shun laun hun aa nadimanthi?

ભાવિન ગોપાણી ભાવિન ગોપાણી
શું લઉં હું આ નદીમાંથી?
ભાવિન ગોપાણી

હવે તો તું કહે કે શું લઉં હું નદીમાંથી?

તરસને કોઈ પણ કાઢી શક્યું છે માછલીમાંથી?

ગયા’તા જે, થયાં વર્ષો છતાં પાછા નથી આવ્યા,

ક્ષણો બેત્રણ ઉછીની લાવવા આખી સદીમાંથી.

અમારી જિંદગીમાં આવશે વૈભવ ખરેખર, જો,

અમે પામી શકીશું કંઈ તમારી સાદગીમાંથી.

નથી મેં હાથ ઈશ્વરથી મિલાવ્યો કારણથી,

ઉતારી ના શક્યો પણ સુદર્શન, આંગળીમાંથી.

અમારા અંગનું સૈન્ય આજે શાંત શાને છે?

થયો લાગે છે રાજા ગુમ અમારી છાવણીમાંથી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2015 (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સંપાદક : હર્ષદ ચંદારાણા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2019