થરથરતી ઇચ્છાની ચાદર ઓઢી તડકે બેઠા છીએ
tharthartii ichchhaanii chaadar odhii tadke bethaa chhiiye

થરથરતી ઇચ્છાની ચાદર ઓઢી તડકે બેઠા છીએ
tharthartii ichchhaanii chaadar odhii tadke bethaa chhiiye
પરેશ સોલંકી
Paresh Solanki

થરથરતી ઇચ્છાની ચાદર ઓઢી તડકે બેઠા છીએ,
રાત-દિવસની ઘટનાઓ લઈ પડખે-પડખે બેઠા છીએ.
ગામની છેલ્લી બસ પાદરને સન્નાટો આપીને ગઈ,
ઝૂરતી બીડીનો કસ મારી આતુર નયને બેઠા છીએ.
રોજ હયાતીને છળતા શ્વાસો બહુ ઇજ્જતથી ખાંસે છે,
હોવાનો તરજુમો કરતાં અડધે રસ્તે બેઠા છીએ.
અંધારાં આવી પહોંચ્યાં છે અંજળની ચોરી કરવાને,
જ્યોત જલાવીને શ્રદ્ધાની, દીવા ફરતે બેઠા છીએ.
ખાલીપો તો પાછો વળશે માણસને જો માણસ મળશે,
આંખોમાં દરિયો લઈ સંગી તારા શરણે બેઠા છીએ.



સ્રોત
- પુસ્તક : ...એટલે લખતો રહું છું (પૃષ્ઠ ક્રમાંક 55)
- સર્જક : પરેશ સોલંકી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2024