તમારા પગ મહીં જ્યારે પડ્યો છું
Tamara Pag Mahi Jyare Padyo Chhu
શયદા
Shayada

તમારા પગ મહીં જ્યારે પડ્યો છું,
હું સમજ્યો એમ આકાશે ચડ્યો છું.
જતાં ને આવતાં મારા જ રસ્તે,
બની પથ્થર હું પોતે નડ્યો છું.
ઊછળતું દૂર ઘોડાપૂર જોયું,
અને પાસે જતાં ભોંઠો પડ્યો છું.
તમો શોધો તમોને એ જ રીતે,
હું ખોવાયા પછી મુજને જડ્યો છું.
ખુશી ને શોક, આશા ને નિરાશા;
નિરંતર એ બધા સાથે લડ્યો છું.
પરાજય પામનારા, પૂછવું છે-
વિજય મળવા છતાં હું કાં રડ્યો છું?
પ્રભુ જાણે કે મારું ઘર હશે ક્યાં?
અનાદિ કાળથી ભૂલો પડ્યો છું.
મને ‘શયદા' મળી રહેશે વિસામો
પ્રભુનું નામ લઈ પંથે પડ્યો છું.



સ્રોત
- પુસ્તક : ગુજરાતી પ્રતિનિધિ ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 124)
- સંપાદક : ચિનુ મોદી
- પ્રકાશક : સાહિત્ય અકાદેમી
- વર્ષ : 1996