Ae Bhale Marathi Alaga Thai Gaya - Ghazals | RekhtaGujarati

એ ભલે મારાથી અળગા થઈ ગયા

Ae Bhale Marathi Alaga Thai Gaya

નૂર પોરબંદરી નૂર પોરબંદરી
એ ભલે મારાથી અળગા થઈ ગયા
નૂર પોરબંદરી

ભલે મારાથી અળગા થઈ ગયા,

મોકળા બંનેના રસ્તા થઈ ગયા.

જ્યાં વિનયથી સૌને મળતા થઈ ગયા,

દુનિયા સમજી 'નૂર' સસ્તા થઈ ગયા.

આજ શોધે છે મહેફિલમાં મને,

હાય! મૃગજળ આજે પ્યાસા થઈ ગયા.

કેવી તંગી છે જીવનમાં પૂછ મા,

મારા માટે આંસુ મોંઘાં થઈ ગયા.

કંઈક સમજો એમાં કિસ્મતનું સૂચન,

કે અચાનક આપ ભેગા થઈ ગયા.

કંટકો ખેંચી લીધા ખોટું થયું,

ફૂલના જખ્મો ઉઘાડા થઈ ગયા.

આજ શોધો છો તિમિરમાં 'નૂર'ને,

એના મૃત્યુને જમાના થઈ ગયા.

સ્રોત

  • પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
  • વર્ષ : 2024
  • આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ