હતી નાંખી દીધા જેવી, મજાની એ મગર લાગી
hatii naankhii diidhaa jevii, majaanii ae magar laagii

હતી નાંખી દીધા જેવી, મજાની એ મગર લાગી
hatii naankhii diidhaa jevii, majaanii ae magar laagii
હરીશ ઠક્કર
Harish Thakkar

હતી નાંખી દીધા જેવી, મજાની એ મગર લાગી,
ગઝલમાં વાત મૂકી એટલે એ માતબર લાગી.
ઉંમર વિતાવવામાં ખાસ્સી એક આખી ઉંમર લાગી,
ઉંમરની એટલે ચહેરા ઉપર પૂરી અસર લાગી.
ચપોચપ બંધ બેસે પાઘડી કેવી પ્રતિષ્ઠાની,
બધાંએ માથે મૂકી તો બધાંને માપસર લાગી!
શિખરને સર કરી શકશો, શિખર પર જિંદગી ક્યાં છે?
તળેટી એ જ કારણથી શિખરથી ઉચ્ચતર લાગી.
સ્મરણ પીછો ન છોડે ને હું ભાગું જીવ પર આવી,
અમારે દોટ લાગી તે પછી તો રાતભર લાગી.



સ્રોત
- પુસ્તક : અમથા અમે જરાક ઇશારે ચડી ગયા (પૃષ્ઠ ક્રમાંક 74)
- સર્જક : હરીશ ઠક્કર
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2021