shaheri thambhlaye sambhle chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શહેરી થાંભલાએ સાંભળે છે

shaheri thambhlaye sambhle chhe

મનહર મોદી મનહર મોદી
શહેરી થાંભલાએ સાંભળે છે
મનહર મોદી

શહેરી થાંભલાએ સાંભળે છે,

અતિ ઝાંખા ધુમાડાના અવાજો.

કરે છે એટલો ઘોંઘાટ રસ્તા,

મને વાગે છે પથ્થરિયા અવાજો.

તિરાડો (બારીઓ ના હોય!)માંથી,

કરે છે આવા લાંબા અવાજો.

રચાઈ જાય ગોળાકાર એવો,

જડાઈ જાય ચોખંડા અવાજો.

પ્રવેશે મોટા મોટા કાન જોઈ,

ઝીણાં જંતુ-સગવડિયા અવાજો.

સફેદી તીવ્ર નખથી કોતરીને,

દીવાલોમાં રડે કાળા અવાજો.

ઊભા છે એક પાછળ એક, સઘળા,

હાલે, ચાલે ગાડરિયા અવાજો.

અગાશીથી કૂદી, રસ્તાઓ, વચ્ચે,

પડી કચડાય છે ઘરના અવાજો.

પરાણે પીંજરામાં જઈ પુરાયા,

લીલા રંગોના પોપટિયા અવાજો.

બધેથી થાય છે ઉપહાસ મારો,

બધે સંભળાય ખરબચડા અવાજો.

નદીની રેત માથા પર મૂકીને,

બગાસાં ખાય ઘાસલિયા અવાજો.

ઊડાડે થૂંક, ને પથ્થર ઉગાડે,

ક્રિયાશીલ સર્વ ધુમ્મસિયા અવાજો.

પણે જાય છે, જાય છે, ઓ!

અવાજો તે છે કેવા અવાજો!

બિલાડીની બે ઝીણી આંખ વચ્ચે,

દબાયા કૈંક ઉંદરિયા અવાજો.

કબૂતરની ફૂટેલી આંખમાંથી,

મને પાછા મળ્યા મારા અવાજો.

સ્રોત

  • પુસ્તક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય - કવિતા (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સંપાદક : મફત ઓઝા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1984