શબ્દ જ્યારે
shabda jyare
અનિલ વાળા
Anil Vala

શબ્દ જ્યારે પોલ માણસનીય ખોલી જાય છે,
ભૂલથી માણસ પછી સુઘળુંય બોલી જાય છે.
એક શમણું જિંદગીમાં આદમી સેવે પછી,
એ જ શમણું આખરે એને જ ઠોલી જાય છે.
ઝાડ પરથી આમ પંખીને ઉડાડી નાખ મા,
એ ઉડીને યાદનું આકાશ છૉલી જાય છે.
રોજ જખમોમાં ભરી દેતો ગઝલ થોડી ઘણી,
તોય ભીતરથી કલેજું કોણ ફોલી જાય છે?
બોલતો ક્યારે નથી પીધા પછી દોસ્તો ગઝલ,
સ્હેજ બોલું ત્યાં તરત બ્રહાંડ ડોલી જાય છે.



સ્રોત
- પુસ્તક : તારીખ–વાર સાથે (પૃષ્ઠ ક્રમાંક 69)
- સંપાદક : અનિલ વાળા
- પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
- વર્ષ : 2009