સૌ ભેદને મિટાવવા તારી જરૂર છે
sau bhedne mitaavva taarii jarur chhe
હિરેન ગઢવી
Hiren Gadhavi
હિરેન ગઢવી
Hiren Gadhavi
સૌ ભેદને મિટાવવા તારી જરૂર છે,
તારી સમીપ આવવા તારી જરૂર છે.
હું પાત્ર તો નિભાવુ છું તારું દીધેલ દોસ્ત,
પણ પાત્રતા નિભાવવા તારી જરૂર છે.
જે જાણતો નથી એ નથી જાણવું હવે,
જાણું છું એ જણાવવા તારી જરૂર છે.
તારો થઈ જનાર બીજાનો થતો નથી,
આ સત્યને સજાવવા તારી જરૂર છે.
પકડીને તારો હાથ થવું છે બધાથી પર,
મારે કશે ક્યાં ફાવવા તારી જરૂર છે !
આ શબ્દ, ભાવ, અર્થ બધું તારી દેન છે,
બસ જ્ઞાન આ પચાવવા તારી જરૂર છે.
આ દેહ તો બુઝાઈ જશે એની રીતથી,
સંદેહને બુઝાવવા તારી જરૂર છે.
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ
