સાથ કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી
sath kayamno chhata sahvas jevu kai nathi

સાથ કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી
sath kayamno chhata sahvas jevu kai nathi
મધુમતી મહેતા
Madhumati Mehta

સાથ કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી,
સૂર્યનો આભાસ છે અજવાસ જેવું કંઈ નથી.
તેં નકાર્યું જ્યારથી રંગોભર્યા અસ્તિત્વને,
રક્તની આ દોડમાં ઉલ્લાસ જેવું કંઈ નથી.
કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે,
જિંદગી છે આ દીવાનેખાસ જેવું કંઈ નથી.
જ્યાં મળ્યો છે આવકારો ત્યાં અમે રોકાઈ ગ્યા,
ગામ ઘર શેરી અને વનવાસ જેવું કંઈ નથી.
હું નથી દરિયો કે દટ્ટાયેલ મોહેં-જો-ડેરો,
હું નદીનું વ્હેણ છું ઇતિહાસ જેવું કંઈ નથી.
જે સજા ગણતો હતો તું, તે જ મુક્તિ થઈ જશે,
રહી શક્યો પળમાં તો કારાવાસ જેવું કંઈ નથી.



સ્રોત
- પુસ્તક : કવિતા : જૂન – જુલાઈ ૨૦૦૧ (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન