sarnamun - Ghazals | RekhtaGujarati

સરનામું

sarnamun

કાયમ હઝારી કાયમ હઝારી
સરનામું
કાયમ હઝારી

જરૂરી પ્રીતમાં ના છે પ્રીતમના ઘરનું સરનામું;

નદી ક્યાં કોઈ’દી પૂછે છે શું સાગરનું સરનામું?

સગડ જાતાં હતાં તુજ વાળ સુધી હવાઓના

મેં જેને મોકલી’તી શોધવા અત્તરનું સરનામું!

મેં મારા દિલ તરફ નાંખી નજર મનમાં હસી લીધું;

મને દેતાં હતાં જ્યારે એના ઘરનું સરનામું!

હતી અંદરના કાગળમાં વિગત એવી કે, શંકાથી

ઘણા પાસે મેં વંચાવ્યું લિફાફા પરનું સરનામું!

નનામો પત્ર છે દુનિયા અને માનવી એમાં

યુગોથી આથડે છે શોધવા અક્ષરનું સરનામું!

તું તારી ખોજ કર ‘કાયમ’, તું તારી ખોજ કર ‘કાયમ’

કે તારું ખુદનું સરનામું છે ઈશ્વરનું સરનામું

સ્રોત

  • પુસ્તક : આદમ ઈવનું પહેલું ચુંબન (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સર્જક : ‘કાયમ’ હઝારી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1994