હકથી વધારે લેશ અમારે ન જોઈએ
Hakthi Vadhare Lesh Amare Na Joiae
કુતુબ આઝાદ
Kutub Azad

હકથી વધારે લેશ અમારે ન જોઈએ,
હક થાય છે તે આપો, વધારે ન જોઈએ.
મઝધારમાં થયું તે થયું વાત વહી ગઈ,
તૂફાનનો અજંપો કિનારે ન જોઈએ.
હૈયામાં એનો પડઘો પડે તો જ મૂલ્ય છે,
અલ્લાહનો અવાજ મિનારે ન જોઈએ.
સ્હેલાઈથી જે પાળી શકો એ જ ધર્મ છે,
નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ.
'આઝાદ' જિંદગીની મજા ઔર છે એ દોસ્ત,
આ જિંદગી પરાયે સહારે ન જોઈએ.



સ્રોત
- પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 52)
- સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
- વર્ષ : 2024
- આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ