saabdaa thaavaa taNaan suchano pachii uughade - Ghazals | RekhtaGujarati

સાબદા થાવા તણાં સૂચનો પછી ઊઘડે

saabdaa thaavaa taNaan suchano pachii uughade

મીનાક્ષી ચંદારાણા મીનાક્ષી ચંદારાણા
સાબદા થાવા તણાં સૂચનો પછી ઊઘડે
મીનાક્ષી ચંદારાણા

સાબદા થાવા તણાં સૂચનો પછી ઊઘડે, લલકથી ઊઘડે!

પ્રાણને પમરાવતાં વચનો પછી ઊઘડે, મલકથી ઊઘડે!

સાવ સીધા, સાવ સાદા લોક ભેળા થાય, મેળા થાય, ને–

શ્વાાસને સંચારતાં સૃજનો પછી ઊઘડે, ફલકથી ઊઘડે!

છેક રસતરબોળ મન વાઘા સજે વૈરાગના, વિતરાગના,

ચેતના ચેતાવતાં કથનો પછી ઊઘડે, ખલકથી ઊઘડે!

રાત આખી દોર ચાલ્‍યા કરે, ચાલ્‍યા કરે, ચાલ્‍યા કરે...

વાટને સંકોરતાં ભજનો પછી ઊઘડે, હલકથી ઊઘડે!

આભ હો રક્‍તિમ ગુલાબી, ઓઘ હો આનંદના, અજવાસના,

એમ પરભાતે મધુર સ્‍તવનો પછી ઊઘડે, ઝલકથી ઊઘડે!

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ