sanjna watawaranni e ja to takliph chhe - Ghazals | RekhtaGujarati

સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે

sanjna watawaranni e ja to takliph chhe

પ્રણવ પંડ્યા પ્રણવ પંડ્યા
સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે
પ્રણવ પંડ્યા

સાંજના વાતાવરણની એ જ તો તકલીફ છે,

બહુ વલોવે છે : સ્મરણની એ જ તો તકલીફ છે.

ઝંખના જીવલેણ છે એ જાણીને પણ ઝંખના!

જીવતાં પ્રત્યેક જણની એ જ તો તકલીફ છે.

મૌન પાછળ લાગણી ઢાંકી શક્યું ના કોઈપણ,

સાવ પાંખા આવરણની એ જ તો તકલીફ છે.

ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ,

હું અભણ છું, ને અભણની એ જ તો તકલીફ છે.

બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું,

મળતું બિલ્લિપગ, મરણની એ જ તો તકલીફ છે.

સ્રોત

  • પુસ્તક : માસૂમ હવાના મિસરા (પૃષ્ઠ ક્રમાંક 88)
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006