sani - Ghazals | RekhtaGujarati

ફક્ત કફની સાંધવી છે સાંઈ અમને સોય આપો,

ભાત એમાં ટાંકવી છે સાંઈ અમને સોય આપો.

પાંચ બખિયા સાથ ઇચ્છા સીવતાં સીવાઈ ગઈ છે,

જાત નોખી પાડવી છે સાંઈ અમને સોય આપો.

થઈ કપાસી ક્યારની ખટકી અને પીડા કરે છે,

ફાંસ પગની કાઢવી છે સાંઈ અમને સોય આપો.

ખટઘડીની હાજરીમાં વીજળી ચમકી પડે તો,

સોય પ્રોવી રાખવી છે સાંઈ અમને સોય આપો.

કોઈ છીણી કે હથોડી કામ આવી લગીરે,

એક ક્ષણને ભાંગવી છે સાંઈ અમને સોય આપો.

ભીંત, ખીલાથી સવાયા આખરી એંધાણ દેજો,

ત્યાં સમજને ટાંગવી છે સાંઈ અમને સોય આપો.

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999