એમણે પૂછ્યું : થયો શું લાભ મુજ સહવાસથી?
મેં કહ્યું : ‘જાણી શકો પ્રસરેલી આ સુવાસથી.’
‘રાહ જોશો ક્યાં લગી’ જ્યાં એમણે પૂછ્યું મને
‘જ્યાં લગી ધબકાર ચાલે’ હું વદ્યો વિશ્વાસથી.
એ કહે : ‘સંબંધ છે આ આપણો કેવો? કહે’
‘આના જેવો’ મેં કહ્યું લઈ ઓસબિંદુ ઘાસથી.
એ પૂછે છે : ‘અંત શું આનો હશે’ તો મેં કહ્યું :
‘આપણે શું જાણીએ? જગ જાણશે ઇતિહાસથી.’
‘હું મળું ના તો કરું શું?’ એમની ધમકી હતી
‘ખ્વાબને ટાળી શકો ના’ મેં કહ્યું હળવાશથી.
‘કંટકોથી છે સભર આ પંથ, પાછો વળ’ કહે,
મેં કહ્યું : ‘તો ફૂલડાં વેરીશ હું આકાશથી.’
‘દૂર ચાલી જઈશ’ નો ઉત્તર હતો મુજ એટલો :
‘હો ગમે ત્યાં તોય સૂંઘી લઈશ મારા શ્વાસથી.’
એ કહે : ‘આ ચાંદ સુણે છે, જરા શરમાવ રે’
મેં કહ્યું : ‘એ રાહ ચીંધે છે સ્વયં અજવાસથી.’
ભોંય ખોતરતાં કહ્યું કે ‘શું ચહે છે તું અરે?’
મેં કહ્યું : ‘તું જે ચહે છે શ્વાસથી–ઉચ્છવાસથી.’
સ્રોત
- પુસ્તક : અવકાશ (પૃષ્ઠ ક્રમાંક 3)
- સર્જક : ગણપત પટેલ 'સૌમ્ય'
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2008