sambhalyun chhe kyarno bandhay chhe rasto! - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો!

sambhalyun chhe kyarno bandhay chhe rasto!

રતિલાલ 'અનિલ' રતિલાલ 'અનિલ'
સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો!
રતિલાલ 'અનિલ'

શહેરોમાં રહે છે, જંગલોમાં જાય છે રસ્તો;

કહીં સંસાર માંડે છે, ક્યાંક સાધુ થાય છે રસ્તો!

અહીંથી સાવ સીધો ને સીધો જાય છે રસ્તો,

તમારા ધામ પાસે કેટલો વંકાય છે રસ્તો!

નહિતર ખીણમાં સોંસરો આવી નહીં પડતે,

મુસાફરને શું દેવો દોષ, ઠોકર ખાય છે રસ્તો!

મુસાફર નહિ, નદીમાં ડૂબી જાય તે માટે,

બને છે પુલ, સામે પાર પહોંચી જાય છે રસ્તો!

હું ઈશ્વરની કને તો ક્યારનો પહોંચી ગયો હોતે,

અરે, મારાં ચરણોમાં બહુ અટવાય છે રસ્તો!

નથી જોતા મુસાફર એક બીજાને નથી જોતા,

નજરને શું થયું છે કે ફક્ત દેખાય છે રસ્તો!

જાણે શી શરમ કે બીક લાગે ચાલનારાની.

કહીં સંતાય છે રસ્તો, કહીં ગુમ થાય છે રસ્તો!

વિહંગો શી રીતે સમજી શકે મારી મુશ્કેલી,

કદમ આગળ વધે છે ત્યાં અટકી જાય છે રસ્તો!

મનુષ્યો ચાલે છે ત્યારે થાય છે કેડી કે પગદંડી,

કે પયગમ્બર જો જાય તો થઈ જાય છે રસ્તો!

લખે છે વીજળીના હાથ કંઈ આકાશમાં જ્યારે,

ઘણીએ તેજરેખામાં ક્ષણિક દેખાય છે રસ્તો!

ઊભું છે પાનખરમાં વૃક્ષ ડાળીઓની રેખા લઈ,

હથેળીઓની રેખાઓનો વર્તાય છે. રસ્તો!

અનિલ મારા જીવનની પણ કદાચિત હકીકત છે.

રહી પણ જાય છે પાછળ, ને આગળ જાય છે રસ્તો!

નથી એક માનવી પાસે બીજો માનવ હજુ પહોંચ્યો,

‘અનિલ’, મેં સાંભળ્યું છે ક્યારનો બંધાય છે રસ્તો!

સ્રોત

  • પુસ્તક : સિગ્નેચર પોયમ્સ (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, ગિરિશ ચૌધરી
  • પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)
  • વર્ષ : 2021