sambandhanun pahelun kiran - Ghazals | RekhtaGujarati

સંબંધનું પહેલું કિરણ

sambandhanun pahelun kiran

હર્ષદ ત્રિવેદી હર્ષદ ત્રિવેદી
સંબંધનું પહેલું કિરણ
હર્ષદ ત્રિવેદી

શક્ય છે કે એક દરિયો પણ અહીં આંસુ બને,

કોઈનો કાગળ અહીં વરસે ને ચોમાસું બને.

ધારશે તો નીરનો રેલોય તે રસ્તો થશે,

તું ભલામણ કર ચરણને સ્હેજ આયાસુ બને.

ગઈ ક્ષણોની સાવ સુક્કી વાવની ભીનપ વિશે,

કોણ મારાથી અજાણ્યું રહીને જિજ્ઞાસુ બને?

કૈંક યુગોની ખરાબી સાથ હોવી જોઈએ,

તો સંબંધનું પ્હેલું કિરણ ત્રાંસું બને!

રેતની વ્હેતી નદીના બેઉ કાંઠા આપણે,

તૂટતી હોડીમાં, સાથે શઢ જમાપાસું બને.

લાગણી પણ હોય પેપરવેટ નીચે બંધ, ને

હોય થંભેલો સમય ત્યાં કોણ વિશ્વાસુ બને?

શક્ય છે કે એક દરિયો પણ અહીં આંસુ બને,

કોઈનો કાગળ અહીં વસે ને ચોમાસું બને.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 435)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004