aav phariithii - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આવ ફરીથી

aav phariithii

શૈલેશ ગઢવી શૈલેશ ગઢવી
આવ ફરીથી
શૈલેશ ગઢવી

લેવોય નહીં દેવો નહીં દાવ ફરીથી,

સમજાવ મને તારી રમત, આવ ફરીથી.

બોલાવી રહી છે તું મને આપ કહીને,

સંબંધ નહીં થાય નવો સાવ ફરીથી.

એવું તો નથી પ્રેમ નહીં થાય ફરી વાર,

એવુંય નથી છલકે નહીં વાવ ફરીથી.

પંપાળ્યું હતું જેવી રીતે દિલ તેં પ્રથમ વાર,

પંપાળ નહીં એવી રીતે ઘાવ ફરીથી.

મામૂલી હતી ચીજ, મળ્યો એવો કદરદાન,

પૂછે છે બધાં એના હવે ભાવ ફરીથી.

કંઈ પણ ના થયું હોય પ્રભુ એવું કરી દે,

મૂકી દે કિનારે હવે નાવ ફરીથી.

એવુંય શું? હું બોલું છતાં ધ્યાન ધરે નહિ!

કરવાનો નથી કોઈ દિવસ રાવ ફરીથી‌.

સ્રોત

  • પુસ્તક : થોડાંઘણાં કબૂતર (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સર્જક : શૈલેશ ગઢવી
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
  • વર્ષ : 2024