દુઃખનો સહજ સ્વીકાર થવા દો પછી જુઓ
dukhno sahaj swikaar thavaa do pachii juo

દુઃખનો સહજ સ્વીકાર થવા દો પછી જુઓ
dukhno sahaj swikaar thavaa do pachii juo
આર. બી. રાઠોડ
R. B. Rathod

દુઃખનો સહજ સ્વીકાર થવા દો પછી જુઓ,
થોડો સમય પસાર થવા દો પછી જુઓ.
છે ભીંતમાં તિરાડ, તો સૌ કોઈ ઝાંખશે,
ખુલ્લાં બધાય દ્વાર થવા દો પછી જુઓ.
એકાંતમાં જે આંસુ વહ્યાં, એ જ દૃશ્યને,
વરસાદ ધોધમાર થવા દો પછી જુઓ.
એને ખબર નથી કે હૃદય પણ ઘવાય છે,
એ પીઠ પર પ્રહાર થવા દો પછી જુઓ.
ફૂલોથી સજ્જ ડાળ ફળોથી અજાણ છે,
થોડો ઘણોય ભાર થવા દો પછી જુઓ.
ભીતર પડ્યું હશે તો કદાચિત પ્રગટ થશે,
ક્યારેક અંધકાર થવા દો પછી જુઓ.
આ દીવડાનું કામ પતે તો શું થાય છે!
થોભો અને સવાર થવા દો પછી જુઓ.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ