samay sathe dhire dhire thashe jhankho, jato raheshe - Ghazals | RekhtaGujarati

સમય સાથે ધીરે ધીરે થશે ઝાંખો, જતો રહેશે

samay sathe dhire dhire thashe jhankho, jato raheshe

ભાવિન ગોપાણી ભાવિન ગોપાણી
સમય સાથે ધીરે ધીરે થશે ઝાંખો, જતો રહેશે
ભાવિન ગોપાણી

સમય સાથે ધીરે ધીરે થશે ઝાંખો, જતો રહેશે,

હતો આ ભ્રમ, હૃદય પરથી કદી ડાઘો જતો રહેશે.

હશે જે આંખ સામે આખરે એ રહી જશે સામે જ,

અચાનક પગ તળેથી એક દી રસ્તો જતો રહેશે.

હતી પહેલા ટકોરે બારણું નહીં ખોલવાની ટેવ,

મને ન્હોતી ખબર મોકો તરત પાછો જતો રહેશે.

ખરા-ખોટાની માથાકૂટમાં પડવું જ શા માટે?

કોઈ લંબાવશે જો હાથ તો સિક્કો જતો રહેશે.

કદી વાદળ બની ભૂલા પડો આકાશમાં મારા,

ભલે વરસો નહીં તો ચાલશે, તડકો જતો રહેશે.

ઝઘડવું છે પરંતુ ફોન પર, ના રૂબરૂમાં નહીં,

હું એની આંખમાં જોઈશ અને ગુસ્સો જતો રહેશે.

જે સૌને ડૂબતો દેખાય છે, આભાસ છે એ તો,

ખરેખર સૂર્ય જ્યારે ડૂબશે, દરિયો જતો રહેશે.

તમે ઘર ભાંગવાની ટેવને જો છોડશો નહીં તો,

તમારા આંગણેથી પંખીનો માળો જતો રહેશે.

નથી રંગાવતો ભીંતો ફક્ત હું આ જ કારણથી,

બન્યો છે પોપડા ખરવાથી એ ચ્હેરો જતો રહેશે.

એ મારો મિત્ર વર્તે છે હવે સારા સમયની જેમ,

એ મારા ઘર તરફ વળશે નહીં, સીધો જતો રહેશે.

સમયસર આંસુ આવે આંખમાં એ પણ જરૂરી છે,

હશે ખાલી જો આંખો, આંખમાં કચરો જતો રહેશે.

નથી લાવી શકાયો બ્હાર તો અફસોસ શું કરવો?

વધારે પાકશે એ શબ્દ જે ઊંડો જતો રહેશે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાત : દિપોત્સવી અંક : ૨૦૨૬ (પૃષ્ઠ ક્રમાંક 405)
  • સંપાદક : જયેશ દવે
  • પ્રકાશક : માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર