સમષ્ટિની નહીં; ના તો સકળની વાત કરવી છે
samashtiini nahin; naa to sakaLni vaat karvi chhe
હર્ષદ સોલંકી
Harshad Solanki
સમષ્ટિની નહીં; ના તો સકળની વાત કરવી છે
samashtiini nahin; naa to sakaLni vaat karvi chhe
હર્ષદ સોલંકી
Harshad Solanki
સમષ્ટિની નહીં; ના તો સકળની વાત કરવી છે,
તમે જો સાંભળો તો બે જ પળની વાત કરવી છે.
આ ચોળાઈ ગયેલા મન વિશે પણ માંડવી છે વાત,
અને આ શ્વાસ પર ઉપસેલ સળની વાત કરવી છે.
નદી કે નાવની કથવી નથી કોઈ કથા લાંબી,
ફક્ત બે-ચાર શબ્દોમાં વમળની વાત કરવી છે.
બધી જોયેલ ને જાણેલ જગ્યાઓ વિસારીને,
અદીઠા ને અજાણ્યા કો'ક થળની વાત કરવી છે.
વિગતપૂર્વક કરી છે વાત કાયમ ટોચની કિન્તું,
મળે તક તો હવે તૂટેલ તળની વાત કરવી છે.
વરસતો'તો કદી વરસાદ મારી આંગળીમાંથી,
હથેળીમાં વહેતા'તા એ જળની વાત કરવી છે.
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ