samajya vagar! - Ghazals | RekhtaGujarati

સમજ્યા વગર!

samajya vagar!

જયંત ઓઝા જયંત ઓઝા
સમજ્યા વગર!
જયંત ઓઝા

એક ગાડું ક્યારનું પૈડાં વગર,

બે બળદ ખેંચ્યા કરે સમજ્યા વગર.

બીકથી મૂંગા હતા સૌ પ્રેક્ષકો,

સિંહ પણ ફરતો હતો ગરજ્યા વગર.

આંખ ઊંચી જ્યાં કરું બ્રહ્મા હતા,

સાવ થાકેલા હતા સરજ્યા વગર!

ચામડી જાડી થવા લાગી હવે,

પોષમાં પણ રહી શકે ધ્રૂજ્યા વગર.

આંગળીઓ સાવ બુઠ્ઠી થઈ ગઈ,

દેવ પણ પત્થર થયા પૂજ્યા વગર.

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ : નવે.-ડિસે., ૧૯૯૦ (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સંપાદક : પ્રવીણ દરજી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર