સાક્ષાત્કાર સીડીનાં સાત પગથિયાં
sakshatkar sidinan saat pagathiyaan
કહોને સખી શ્યામ વિના કેમ રહિયે રે! -ટેક
શનિવારે સખી મ્હારા સ્વામી રે મહાસુનમાં રહ્યા પ્રેમધામી રે,
મુને મળતા નથી મોક્ષગામી : કહોનેo
રવિવારે મળે કોઈ રૂખી રે મુને અગમગઢ આવે મૂકી રે,
સુનમાં પ્હોંચી ને થાઊં હું સૂખી : કહોનેo
સોમવારે તે સુખમણ સેજે રે પોઢી દેખે શ્યામળિયાનૂં તેજે રે,
ત્યાંથી સૂરત સામૈયૂં ભેજે : કહોનેo
મંગળવારે તે મહાસુન માંહે રે તાલ મૃદંગ અનહદના થાયે રે,
ધોળ મંગળ પ્રેમનાં ગાયે : કહોનેo
બુધે શુદ્ધિ શરીરની ખોઈ રે નિજ મૂર્તિ પ્રત્યક્ષે જોઈ રે,
નથી આપ વિના બિજૂં કોઈ : કહોનેo
ગુરુવારે બ્રહ્મ રૂપ જોયૂં રે ચિત્ત મ્હારું શ્યામળિયાથી મોહ્યૂં રે,
દુ:ખ પાંચ પચીસનું ખોયૂં : કહોનેo
શુક્રવારે શિખર ગઢ આવી રે સુરતી અગમ અગોચર લાવી રે
દેખ્યાં અલખ નિરંજન ભાવી : કહોનેo
સાત વાર કહ્યા સર્વ પૂરા રે “જ્ઞાની” પ્રેમમાં થઈ ચકચૂરા રે,
રહે છે આઠ પ્હોર હજૂરા : કહોનેo
મહાસુન : માયા મોહથી વિરક્ત થઈ શૂન્ય થયેલી મતિ
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 71)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931